"શિવમ્ ભૂત્વા શિવમ્ યજેત્"
શિવ એટલે દેવોનાં દેવ મહાદેવ! જ્ઞાનરાણા!
કલ્યાણકર્તા! હર એટલે દુઃખ હરનાર,શુભ કરનાર!
શિવ એટલે જીવનું નિર્માણ કરનાર, પાલન કરનાર,સંહાર કરનાર!બ્રહ્માંડનાં જીવોનું સંકલન કરનાર શંકર!
GOD= જનરેટર, ઓપરેટર, ડ્રીસ્ટ્રોયર!
સરળતા અને સહજતાથી પ્રસન્ન થાય એટલે ભોળાનાથ! દુષ્ટોનાં સંહારક,વિદ્રોહીનાં મારક, સાત્વિકોનાં તારક, ભૈરવોનાં ઉપકારક, સાધુજોગીઓનાં ઉધ્ધારક, અનિષ્ટોનાં વિનાશક, દુરાચારીને દંડ દેનાર એવા શિવજી ત્રણેય દેવોમાં સંહારક દેવ!
ચતુર્દશીનાં સ્વામી શિવજી ગણાય છે.તેથી દરમાસની
ચર્તુદશી શિવરાત્રિ કહેવાય છે.મહા માસમાં આવતી
શિવ અને જીવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી! વળી,
પાંચ જ્ઞાનેન્દ્રિયો,પાંચ કર્મેન્દ્રિયો,મન,બુદ્ધિ,ચિત્ત,
અહંકાર-આ ચૌદ સ્થાન પર અજ્ઞાનતાનું સામ્રાજ્ય હોય છે.તે દૂર કરવાનું વ્રત એટલે શિવરાત્રિ! આ તત્વો શિવલિંગમાં સમાવિષ્ટ હોય છે અને શિવ-શક્તિ સાથે લિંગમાં સમાવેશ થયેલા હોય છે તેથી મૂર્તિ સ્વરૂપે નહીં પણ લિંગ સ્વરૂપે પૂજન થાય છે.રુદ્રનો અંશ એવું લિંગ એટલે પ્રચંડ ઉર્જાનું પ્રતિક!
શિવપાર્વતીનાં વિવાહ પણ આ દિવસે થયા હતા.
સમુદ્રમંથન સમયે કાલકેતુ વિષ નીકળ્યું હતું, સકલ બ્રહ્માંડનાં રક્ષણાર્થે શિવજીએ પીધું અને ગળું નીલું થઈ ગયું હતું ત્યારથી નીલકંઠ કહેવાયા.ગંગા અવતરણ સમયે પણ પોતાની જટામાં ગંગાજી ઝીલીને સૃષ્ટિની રક્ષા કરી હતી.ત્રીજા નેત્ર ખોલી
કામદહન કરનાર દેવ ત્રિલોચન કહેવાયા.ૐકાર નાદ કરનાર, બીજચંદ્ર ધારણ કરનાર, જટામાં ગંગાજી ઝીલનાર,નટરાજ નૃત્ય કરનાર,ભસ્મ અને ખોપરીની માળા ધારણ કરનાર, ડમરુ વગાડી મહર્ષિ પાણિનીને વ્યાકરણનાં બીજમંત્રો આપનાર શિવજી અવિનાશી,અજન્મા કહેવાય છે.પરબ્રહ્મ પરમેશ્વર એવા શિવમાંથી છુટો પડેલ જીવનું નિર્માણ કરતાં,સૃષ્ટિનું સર્જન કરતાં એમણે જીવને વચન આપ્યું હતું કે,"હું તને સંભાળીશ, તું મને સંભારજે." માનવ સંસારની મોહજાળમાં અટવાઈ શિવને ભુલી ગયો.દુઃખ આવતાં ઈશ્વરને દોષ દેવા લાગ્યો.આપણને
પારધીની હ્રદય પરિવર્તન ની પૌરાણિક કથા વિદીત છે.પુષ્પદંતની કથા પણ માલુમ છે.શ્રધ્ધા ભાવથી કરવામાં આવતી ભક્તિનું મહત્વ છે.
શિવ પરિવારમાં પાર્વતીમા,ગણેશ,કાર્તિકેય, પુત્રી ઓખા હતાં.ભૂતપ્રેત એમનાં ગણો, વાહન નંદી છે.વળી, કૈલાસ પર્વત પર ધ્યાન ધરે,સ્મશાનમાં વાસ,વ્યાઘ્રચર્મ,ખોપરીની માળા,રુદ્રાક્ષની માળા, ભસ્મનો લેપ, ચંદનનો લેપ,ગળામાં સર્પો,જટામાં ગંગાજી,ત્રિશૂળ ધારણ કરે છે.આકડો, ધંતુરો,ભાંગનાં ભોગી,એમને સફેદ પુષ્પો અને બિલીપત્ર વધુ પસંદ છે,જલઝારી દ્વારા પાણીની ધારા અવિરત કરવામાં આવે છે.એમાંય, દૂધ,ઘી,મધ, શેરડીનો રસ વગેરેથી અભિષેક કરવામાં આવે તો ઉત્તમ ગણાય છે.
દેવતાઓ જ નહીંપણ દાનવો એમને આરાધે છે. તપ દ્વારા વરદાન મેળવે છે.અર્ધનારીશ્વર રૂપ ધારણ કરે છે,નટરાજ નૃત્ય અને તાંડવ નૃત્ય પ્રચલિત છે.
મહાશિવરાત્રીનાં દિવસે ચાર પ્રહરની રાત્રિપૂજાનો મહિમા છે.આ તો થઈ શિવમહાત્મયની વાત.હવે જોઈએ-શ્રાવણ માસમાં શિવ આરાધનાનું મહત્વ!
શ્રાવણ માસ અતિ પવિત્ર માસ! પૂજન,અર્ચન,ધ્યાન,
જપતપ,અભિષેક વગેરે દ્વારા શિવભક્તિ મહિમા.
મંદિરોમાં લઘુરુદ્ર યાગ,
મહામૃત્યુંજય મંત્રોચ્ચાર,
શિવ સહસ્ત્ર નામાવલી,
શિવમહિમ્ન સ્તોત્રનું પારાયણ,શિવપુરાણ કથા,
વ્રત ઉપવાસ વગેરે કરી મહાદેવની કૃપા મેળવવાનો અવસર પ્રાપ્ત કરે છે.
"શિવમ્ ભૂત્વા શિવમ્ યજેત્ ||"
અર્થાત્-શિવને ભજવા શિવ બનવું પડે.
તો આવો, જીવમાંથી શિવ બનવાની, કંકરમાંથી શંકર બનવાની,નરમાંથી નારાયણ બનવાની કોશિશ કરી,શ્રાવણનું સાચું પૂજન કરી, સદ્વિચારો,સદ્કાર્ય, સદ્વૃત્તિનાં વાહક બની પર્વ મહિમાને ઉજાગર કરીએ.
'હે ઈશ! મહાસાગર રૂપી પાત્રમાં,કાળા નીલગીરી પર્વત જેટલી શાહી હોય,
કલ્પવૃક્ષની મોટી ડાળી રૂપી કલમ હોય, પૃથ્વીનું પડ રૂપી કાગળ હોય,અને ખુદ દેવી શારદા સદાકાળ લેખ લખે તો પણ તારા ગુણોનો પાર પામી શકાય એમ નથી."
"ૐ ત્ર્યંબકમ્ યજામહે સુગંધીમ્ પુષ્ટિ વર્ધનમ્,
ઉર્વારુકમેવ બંધનાત્ મૃત્યુયમોક્ષિય મામૃતાત્."
"ૐ મહામૃત્યુંજયાય દેવાય ત્રાહિમામ શરણાગત,જન્મમૃત્યુ જરા વ્યાધિ પિડીતં કર્મબંધને."
આવા બ્રહ્માંડનાં અધિનાયકને, મહાદેવને,
નતમસ્તક થઈને પ્રાર્થના કરીએ!
-નયના ઠક્કર(પ્યાસી)
0 Comments