શબ્દ લાલિત્ય.

શબ્દ લાલિત્ય.


 શબ્દ જ બ્રહ્મ છે.શબ્દ લેખનનો આવિર્ભાવ છે.

શબ્દ કવિતા નિર્માણ કરે છે,શબ્દ જ સાહિત્યનું

સર્જન કરે છે. મનની ભાવનાની,સંવેદનાની, વિચારોની, વર્તનની

અભિવ્યક્તિ શબ્દ દ્વારા પ્રતિબિંબિત થાય છે.

બોલનારની ભાષા એનાં વ્યક્તિત્વની ઝાંખી કરાવે છે.અંતરનાં ઉર્મિઓને પ્રગટ કરે છે.જેમકે,પ્રેમ

ખુશી,લાગણી,પરવા,ગમ,

 નિંદા, ટીકા, અહંકાર, દ્વેષ,મિત્રતા,શત્રુતા,વિદ્વતા વગેરેનો પરિચય કરાવે છે.

શબ્દ રચાય, લખાય,

વંચાય,બોલાય,મઢાય, તોલાય, ટટોલાય.

શબ્દ મારે, તારે, ડુબાડે,

ઉગારે, હસાવે,ફસાવે, રડાવે, લડાવે, જીવાડે, મરાવે, અપાવે, કપાવે,

બગાડે, સુધારે, રિસાવે, મનાવે, મહેંકાવે અને નિખારે પણ ખરા!

શબ્દ ફેરવાઈ જાય,વેચાઈ જાય, ચુભાવી જાય અને

દુભાવી જાય.ઘવાઈ પણ જવાય.ઘાવ આપે, દાવ આપે,દવા આપે, દુઆ આપે, અમી આપે અને ઝેર પણ આપે.તેથીજ કહું છું, શબ્દો ક્યારેય મરતા નથી માટે જરૂર પડે જ જીભને ગેરેજમાંથી બહાર કાઢવી.કારણ? કમાનથી છુટેલું તીર અને મુખેથી બોલેલું વેણ કદી પાછું ફરતું નથી. જ્યાં સુધી મોંમાં શબ્દ છે ત્યાં સુધી એ તમારો છે પછી એ બીજાનો થઈ જાય છે.

અવિચારીપણે બોલાયેલા એક શબ્દનાં પરિણામનો પશ્ચાતાપ દીર્ઘકાળપર્યંત કરવો પડે છે.યાદ રાખો-

મૌનનાં વૃક્ષ પર જ શાંતિનું ફળ ઉગે છે.બોલવું જરૂરી હોય તોપણ વિચારપૂર્વક બોલવું,સામાને ધ્યાનથી સાંભળી,વિનમ્રતાથી, શબ્દોને આત્મસાત કરી બોલવું. રમુજમાં પણ સામાનું દિલ દુભાય એવી વિલાસી વાણીનો ઉપયોગ ટાળવો. કોઈનાં હ્રદયને ઘાયલ કરી નાંખે એવી તુચ્છકાર ભરી,કટાક્ષપૂર્ણ, વ્યંગાત્મક અને વક્રોક્તિ વાણી ક્યારેય ઉચ્ચારવી નહીં.એ ભાષા શેતાનની ભાષા કહેવાય.

કારણ?વાણીથી હ્રદયને ઠેસ પહોંચાડવી એ પણ કતલ સમાન ગણી શકાય. શબ્દો તો ઘણું બધું કહી

જાય,વિશાળ ભંડાર ભરેલો હોય છે, એનો મહિમા અપરંપાર છે.એક જ ખરાબ શબ્દ કોઈને હતાશ, નિરાશ,નાસીપાસ કરે,અપમાનિત કરે,દુશ્મન બનાવે,જીવન પાયમાલ કરાવે,જ્યારે એકજ સારો શબ્દ કોઈના જીવનમાં પ્રેરણા, પ્રોત્સાહન, હૂુંફ, 

સહકાર, માર્ગદર્શન આપી જિંદગી સુધારી શકે.શબ્દ અણમોલ છે,એની સાધના કરવી,અમીરસ ભરી,શાતા અર્પે એવી વાણી બોલનાર સજ્જન માણસ ગણાય.

શબ્દ તીર્થ, પૂજા, દર્શન,

ધર્મ, ભક્તિ, માનવ્ય છે.

શબ્દમાં મધુરતા,નમ્રતા હશે તો એનું મૂલ્ય અંકાશે.

ઈતિહાસ જોતાં માલુમ પડશે,શબ્દોએ મહાભારત સર્જ્યા છે. કોન્ફ્યુશિયસે કહ્યું છે,"ઉત્તમ માણસ બોલવામાં ધીરો અને કામ કરવામાં ઉતાવળો હોય છે."

શબ્દ થકી વેદ ઉપનિષદો,

પુરાણો,શાસ્ત્રો,ધર્મગ્રંથો,

કથાઓ, જીવનચરિત્રો,

ઈતિહાસ અને સાહિત્યોનું સર્જન થયું તો શબ્દસૃષ્ટિ, શબ્દની ઉત્પત્તિ,શબ્દની સરવાણી અમસ્તી થોડી થઈ છે?ૐ નાદબ્રહ્મનો જયજયકાર કરી,શબ્દ લાલિત્યને વધાવું છું.

છેલ્લે-મુખવાસ.

મારા શબ્દોને ૫ણ અર્થનાં કતલખાને ના લઈ જવા કૃપા કરશો.હું પણ આપના સુધી પહોંચી,લેખ લખી શકી એ પણ શબ્દની જ કૃપા ગણી વિરમું છું.

🙏આ લેખ મારા વિચારોનો આવિર્ભાવ ગણશો.🙏(અસ્તુ)


✍️નયના ઠક્કર✍

🪔(પ્યાસી)વડોદરા.🪔

0 Comments